શ્રી, દુલેરાય કારાણી સાહેબની રચના.

ભારતી ભોમના, ગુર્જરી વ્યોમમાં ,ચમકતો એક ઉગ્યો સિતારો !
ધરા સૌરાષ્ટ્રની ચમકતી રહી અને, ચમકતો કચ્છ કેરો કિનારો !

શારદા માતને, સર્વ ગુજરાતને, ગર્વ ગૌરવ તણાં ગાન આપી !
પ્રેમ-રસ પી ગયો અશ્રુ આપી ગયો, કલાસ્વામી ગયો તું કલાપી !

કચ્છ રોહા તણાં રાજથી નીકળી, અંતરે પ્રેમના પુર આણી ,
કચ્છની બે સરિતા રમા-શોભાના, સુરસાગર વિષે બે સમાણી !

સરિતા-સિંધુ ની હૃદય-ત્રિપુટી તણો. પ્રેમસાગર શકે કોણ માપી ?
પ્રેમ-રસ પી ગયો અશ્રુ આપી ગયો, કલાસ્વામી ગયો તું કલાપી !

રાજવી રસકવિ .રાજના તાજ માં, તે ન રસરાજ કઈ તેજ દીઠું !
દર્દનો એક દરિયો ભર્યો દેહમાં, દર્દી દિલને મળ્યું દર્દ મીઠું !!

ફાળ માં એક કુદી ગયો કાળને, સ્નેહ સંબંધના બંધ કાપી ,,
પ્રેમ-રસ પી ગયો અશ્રુ આપી ગયો, કલાસ્વામી ગયો તું કલાપી !

પ્રેમના પીછ્ની કળા કરનાર ને, કલા પીનાર તે તું કલાપી !
એક ટહુકારના નાદ થી ગગન- મંડળ ગજવનાર તે તું કલાપી !

અમર અણમોલ આંસુ તણી ઈમારત, રમ્ય રચનાર તે તું કલાપી !
પ્રેમ-રસ પી ગયો, અશ્રુ આપી ગયો, કલાસ્વામી ગયો તું કલાપી !!

સ્નેહ સામ્રાજ્યનો મહા સમ્રાટ તું, દિવ્ય દુનિયા તનો તું નિવાસી !
ક્યાંક ભૂલો પડ્યો ,અહી આવી ચડ્યો, પ્રેમના પંથનો તું પ્રવાસી !

અમરતાને વરી આપ ઉડી ગયો, કાળ વિકરાળ ને થાપ આપી !
પ્રેમ-રસ પી ગયો, અશ્રુ આપી ગયો, કલાસ્વામી ગયો તું કલાપી !!