જોગી ઠાકુર!!

કલાપીને....

જોગી ઠાકુર!!
વસંતના દિવસોમાં
મારા લોહીના પંખીઓ તરફડી ઉઠે છે
ત્યારે ઉડાડી મુકું છું
તારા લાઠીના બગીચામાં હજીએ ડોલતી વેદનાની ડાળ ઉપર
*
આ કાણિયા લોકો તને સમજી ના શકે તો
એમને માફ કરી દેજે ,રાજા !!
એમને શી ખબર પડે કે પ્રેમની ભાષા તો
જન્મ-પુનર્જન્મોની ને નક્ષત્ર- નક્ષત્રોની દ્રૃત - વિલંમબિતા છે!
*
રમા અને શોભનાતો તારી અને વિશ્વકવિતાની પ્રેમલીપી છે .
જોગી ઠાકુર !
તે એક મિત્રને લખ્યું હતું :
હું ગમે તેવા સુંદર, ગમે તેવા ભવ્ય ,
પણ વ્યર્થ સ્વપ્નોનો આદમી છું,
ને આમેય જિંદગી શું હોય છે !! બીજું???
*
કોઈ રાક્ષસના એક- દંડિયા મહેલમાં કોઈ પરીને કેદ રાખેલી હોય !
પછી ઝૂરીઝૂરીને પરી મરી જાય
એવી એકાદ પરી કથા -
*
લાઠી, આ દુનીયા ,
નવમી જુન - ઓગણીસસોની લથડતી રાત !!
છવ્વીસ વરસની છાતીમાં લીલાકાચ, અગ્નિનો ડાઘ !
હવે તું કોઈ જન્મે કવિતા ના લખતો, જોગી ઠાકુર !!
*
પણ નાં ...............................!!
તેં તો લાઠી અને ગુર્જરીને અર્થપૂર્ણ સંવાદ આપ્યો છે ,કવિ !
આકાશની છાતીમાં કાણાં પડવા માંડે છે .
ત્યારે જ ભગવાન કવિનો જન્મ લે છે !!
*
ગેબી કચેરીના દરિયાવ બાદશાહ ..
ક્યારેક અમારા ખલકના મયખાનાને જોતો રહેજે !!
તે ઉગાડેલા ફૂલછોડને હજુયે ફૂલ-પતિઓ ઉગ્યા કરે છે !
હજીયે વેદનાની વસંતો ટૂંટવાના અવાજો સંભળાયા કરે છે !
હજીયે છોકરીયો કવિઓને પ્રેમ કરે છે !
સાકીયાના લંબાયેલા હાથમાંથી ઠલવાતી સુરાના
હજીયે અવાજ સંભળાયા કરે છે ..
*
તારા શાહી કોટ પરથી પીડાના ગુલાબને
હજી કોઈએ ખેરવી નથી નાખ્યું ,,રાજા !!
તારા પ્રકરણોમાં હવે હું જ બંધ થઇ જાઉં છું .
તારી ને મારી બેવડી વેદનાએ !
લોહીનાં પુર ની જેમ ફેલાવા માંડ્યું છે મારામાં !!
તું તો ક્ષત્રિય હતો,,જોગી ઠાકુર !!
પણ હું તો બ્રાહ્મણ !!
આ વસંતના દિવસોમાં .....