
કલાપીની સર્જકતા તેમના વિદ્યાગુરુ જાની માસ્તરને લખેલો દીર્ઘ નિબંધ કાશ્મીરના પ્રવાસ વર્ણન થી શરુ થઈ, એ નિબંધને આજે પણ ગુજરાતી સાહિત્ય જગતમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત છે, પણ કલાપીની સાચી ઓળખ તેમની ગઝલો અને ખંડકાવ્યો છે, ગુજરાતી ગઝલને ફારસી-ઉર્દુ માંથી ગુજરાતીમાં અવતરણ કરાવનાર વલી ગુજરાતી છે પણ ગઝલોને દીવાને ખાસ થી દીવાને આમ અને લોકપ્રિય કરનાર તો કલાપી અને બાલાશંકર કંથારીયા છે, એ સમયે નડિયાદથી સાક્ષરવર્ય મણિલાલ નભુભાઈ દ્વિવેદી '' સુદર્શન '' મેગેજીન ચલાવતા હતા અને કલાપીએ પોતાની પ્રથમ ગઝલ 'ફકીરી હાલ' 15-10-1892 ના રોજ તંત્રીશ્રી ને લખી મોકલી હતી, અને સુદર્શન માં છપાય હતી, ત્યારે સુરસિંહનું કોઈ તખલ્લુસ નહોતું એટલે ગઝલની નીચે ફક્ત S.T.G (સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ) એ નામ લખાયેલું હતું, કલાપી તખલ્લુસ તો પાછળથી તેમના કવિમિત્ર જીવણરામ દવે, કવિ 'જટિલ' દ્વારા અપાયું કલાપીને પણ ગમ્યું અને તેમના કાવ્ય સંગ્રહને 'કેકારવ' નામકરણ થયું, જે ઇતિહાસ બની ગયું, કલાપી સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે મોર અને કેકારવ એટલે મોરના ટહુકાઓ ! ગુર્જર સાહિત્ય જગતમાં આ સુરતાની વાડીના મીઠા મોરલાના ટહુકાઓ આજે પણ ગુંજે છે અને ગુંજતા રહેશે કલાપીએ સ્નેહ-વિલાપ ને ગાયો છે, તો પ્રિયા, પ્રભુ, પ્રકૃતિ, અને પ્રેમને પણ બુલંદ સ્વરે પુકાર્યા છે. છંદોના વૈવિધ્ય સાથે ખંડકાવ્યો એ કલાપીની કલગીનું એવું છોગુ છે જે તેમને સાક્ષર જગતમાં અલગ સ્થાન અપાવે છે, ઉર્મિકાવ્યો તો સમયકાળને ઠોકર મારી ખુબ જ આગળ વધીને અમર થઇ ગયેલા કાવ્યો છે. કલાપીની મોટાભાગની રચનાઓ તેમના જીવનની પદ્ય આત્મકથા જેવા છે, પોતાના અંગત જીવનમાં બનતી તમામ ઘટનાઓમાં થી કવિને જે સ્ફૂર્યું એ એમણે લખ્યું, કોઈ કવિતામાં રમાબા તો કોઈ કવિતામાં શોભનાબા દેખાય છે, ક્યાંક પ્રેમ તો ક્યાંક વિરહ ક્યાંક આશ્રુ તો ક્યાંક અમી તેમના સર્જનોમાં ટપકતા દેખાય છે, પારદર્શી જીવન કવનને કારણેજ તેમની અનુભૂતિઓ આજે પણ યુવા હૃદયને આકર્ષિત કરે છે, કલાપીનો એક કૈફ છે, જે એકવાર ચડે પછી બધાજ રંગો ફિક્કા લાગે, આ સદાય નવયુવાન કવિની પ્રથમ રચના મ્હાણીને આનંદ કરીએ !
અરે ઉલ્ફત! અયે બેગમ! લીધી દિલબર હતું લાઝિમ?
હતું જે બેહિશ્ત થઈ જહાન્નમ : ફકીરી હાલ મ્હારો છે!
ગયું આ ઝિંદગીનું નૂર : હવે જહાંગીર બેપરવા:
તું લૂંડીની નથી પરવા : ફકીરી હાલ મ્હારો છે!
ન ધારું હું કદી કફની : દગ્ધ દિલ પર ન સારું ખાક:
ન પરવા છે કિસ્મતની : ફકીરી હાલ મ્હારો છે!
હવે દરખત પર ચડવું : બુલબુલ મ્હારું ઢુંઢું હું:
ફરું નાગો બિયાબાને : ફકીરી હાલ મ્હારો છે!
હતો જે હું, હતું જે હું, નથી તે તો, નથી હું હું:
ગયું છૂટી : ગયું ઊડી : ફકીરી હાલ મ્હારો છે!
હવે આ દમ નથી દમમાં : ફકીરી હાલ મ્હારો છે!
પરેશાની જ છે રાહત : ફકીરી હાલ મ્હારો છે!
(S.T.G તા : 15-10-1892)