રાજવી કવિ કલાપીની 143મી જન્મજયંતી નિમિતે સંભારણું !!

હર્ષ શું છે ઝીંદગીમાં ને હર્ષ શું હોત મૃત્યુ માં !
પ્રેમના રંગોથી ના રંગાયું હોત વિશ્વ આ ! 

દ્રષ્ટિપ્રેમ, દેહપ્રેમ, ચિતપ્રેમ, અને આત્મપ્રેમ,, 
આ હું નું તું માં વિગલન એજ પ્રેમ, એજ અમૃત એજ અ-મૃત !!

હૃદય જો મળ્યું તો બધું મળ્યું ! હૃદય જો નહીં તો નહીં કશું !

પ્રીતિને કારણો સાથે સંબધ કાંઈએ નથી,
પ્રીતિનું કારણ જ પ્રીતિ, પ્રેમીને લક્ષ્મી તે બધી !

ક્યાં ચાહવું તે દિલ માત્ર જાણે,
તેમાં ન કાંઈ બનતું પરાણે;
ત્યાં બુદ્ધિના જોરની કૈં ન કારી,
બુદ્ધિ તણો માર્ગ જુદો જ કાંઈ.

તુંને ન ચાહું, ન બન્યું કદી એ, તેને ન ચાહું, ન બને કદી એ;
ચાહું છું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઈને હું !

બન્ને આત્મા રસમય થતા એક્યનું પાન થાતું !
તે દ્રષ્ટિમાં લય થઇ ગઈ, વિશ્વની સૌ ઉપાધિ !

જો હો ખુદા તો હો ભલે, તેની અમોને શી તમા !
છે ઈશ્ક થી તો ના વડો, જે ઈશ્ક મારું તાજ છે !
એ ઈશ્કની લાલી મહીં, લાખો ખુદા ઘેલા બન્યા
એ લાખ માં ના એક પણ, જુદાજ કંઈ ઘેલા અમે !

આ કારખાનું ઇશ્કનું જોજો તપાસી ખૂબ ખૂબ ! 
આ ખેલ ને આ ખેલનારો એક નૂરે ઇશ્ક છે !

પથ્થર બની પૈદા થયો છું પ્હાડ માં
છું ચાહનારો એ'ય તું થી છું સનમ !
પૈદા થયો છું ઢૂંઢવા તુંને સનમ !
ઉમર ગુજારી ઢૂંઢતા તુંને સનમ ! 

પ્રવાસીને વીત્યા કંઈ યુગ, યુગો કૈં વહી જશે,
નકી તેમાં એવો સમય મધુરો એક જ હશે;
ત્વરા છે ના કાંઈ કુદરત પીવાડે પીયૂષ જો,
ભલે લાખો જન્મો પ્રણયરસમાં એમ વહજો.

સાચો રાગી જ સાચો વૈરાગી બની શકે છે ! 
સંસારથી ભાગેલો કે ભાંગેલો નહીં !! 

સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે. 

સૌન્દર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.

દ્વૈતપ્રેમી જે હતો અદ્વૈતપ્રેમી હું થયો !
બ્રહ્માંડ મ્હારું: બ્રહ્મ મ્હારું: બ્રહ્મવાદી હું થયો ! 

પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!
ઉમ્મર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ!

અરેરે! કેદખાનામાં મને આ ઈશ્ક સૂઝ્યો ક્યાં?
ખુદાએ નૂર બતલાવી દિલે ચિનગી લગાડી કાં?

ભળીશ નહી જનો થી, સ્ત્રી, મિત્ર, બાળકો થી, 
જીવીશ બની શકે તો એકલા પુસ્તકો થી ! 

રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે!

હા ! લાખરંગી ઇશ્કનું કો એકરંગી જામ છે !
મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા અમે ! 

સાકી જે શરાબ મને દીધો, દિલદાર ને દીધો નહિ ;
સાકી જે નશો મુજ ને ચડ્યો, દિલદાર ને ચડ્યો નહિ !

આવું, કહો ! ક્યાં એકલો ? આશક જહાં થાતી નથી;
પ્યાલું ભર્યું આ : ના કદર ! પીવા જહાં પ્યાસી નથી.

એકજ રંગ નિભાવવો નિત્યે નવરંગી નવ થાવું !! 
ધન, તન, દેતા નવ ડરવું ભાઈ, મનને વિચારીને ધરવું !!

હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેર નું પ્યાલું !
મગર એ જામને ભરતા કહે તુજ હાથ શું આવ્યું ?

જખમથી જે ડરી ર'હેતાં વગર જખમે જખમ સહેતા
અમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં મનનારાઓ !

ખુદા ! ત્હારી મજેદારી, બુરાઈ શીખવે આવી !
ભલે તો એ હમારે પણ શિખી શિખી સદા ગાવી ! 

તમારા રાજ્યદ્વારોના ખૂની ભપકા નથી ગમતા;
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખઝાના જ્યાં !

વ્હાલાનો વિરહી બની હૃદયને ચીરી રડ્યો ત્યાં હતો !!
એ અશ્રુઝરણું જ શોણિત સમું તે કાવ્ય માં છે ભર્યું !! 

તમ પિતા સદા વ્હાલ રાખશે !પણ ના માતની ખોટ ભાંગશે !
નહી નહી મળે મા ગઈ ફરી ! જગતમાં નકી મા બને નહિ !

'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં!'
'કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં ! 

'મૃત્યુને વશ આ કલા થઈ ગઈ ! હુંએ બની મૃત્યુની !'
'આ સંસાર અસાર છે ! અહહહા ! એ શીખ આજે મળી!'
'વ્હાલાં હાય અરે અરે ! જગતમાં વ્હાલાં ઉરો ચીરતાં !'
'ભૂલોની જ પરંપરા જગત આ, એવું દિસે છે ! પિતા!' 

બ્રહ્માંડ આ તો ગૃહ તાત નું છે, આધાર સૌને સૌનો રહ્યો જ્યાં !
લે છે સહુ કૈં, દઈને સહુ કૈં, આભાર સૌનો સહુ ઉપરે છે ! 

પ્યારું ત્યજીને પ્યાર, કોઈ આદરે છેલી સફર,
ધોવાય યાદી ત્યાં રડાવે, છે જુદાઈ આપની !

જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહી એ આંખ થી, યાદી ઝરે છે આપની !!

અરેરે ! આશકોની તો વધારે મોત છે કિસ્મત !
સનમને જીવનારાની નહીં કોડી તણી કિમ્મત !

હતું તેનું હૈયું કમલ સરખું કોમલ અને હતો તેમાં દૈવી પ્રણયરસ મીઠો ટપકતો !!
હતું તેને મોં એ મધુર સ્મિત કાંઈ ચળકતું, દીસે તેના ગાત્રો પુલકિત થતા હર્ષમય સૌ !!

વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું!
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
મૃત્યુ થાતાં રટણ કરવું ઇષ્ટનું એ ય લ્હાણું!
આશા રાખી મરણ પછી ને જીવવું એ ય લ્હાણું!

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં ! ન સુકાવ ભલે જલ નેત્ર તણું !
પણ તે દિલને વિસરાવીશ ના! સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! 

ઈશ્કના ચોગાનમાં ઝાલીમ નકી પહેલો ન હું, 
જે છે વફા તેને જફા એ તો ખુદાઈ દોર છે !

આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી;
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી?

અમ એજ જીવિત, એ જ મૃત્યુ એ જ અશ્રુ ને અમી,
જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?

અમારાં મીઠાં તે રુદનમય છે ગીત સઘળાં,
દુઃખે શિખેલાં એ કવિદિલ શિખાવે દુઃખ બધાં;
ન નિદ્રામાં યે છે પરમ સુખ વિશ્રાન્તિ અમને,
બૂરાં સ્વપનો આવી જનહૃદયમાં કંટક ભરે! 

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે !

'સંસારીને શિખવીશ હવે સ્નેહ, વૈરાગ્ય, ભક્તિ,
'ને અન્તે હું મરીશ સુખમાં ઈશનું નામ બોલી;
'ચાલો ચાલો નદીતટ પરે ઝુંપડી બાંધશું, ને
'વ્હાલા મ્હારા પરમ પ્રભુના ગીત ગાશું જ પ્રેમે!

જન્મ ને જીવનાં કૃત્યો છે આકસ્મિક સૌ અરે!
'પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિહાથ છે.
'કરૂં છું' ને 'કર્યું છે મેં', જૂઠું એ અભિમાન હા!
'કરી તે શું શકે પ્રાણી, આ અનન્ત અગાધમાં?'

તમારા કૃષ્ણ ને મોહમ્મદ તમારા માઘ, કાલિદાસ.
બિરાદર એ બધા મ્હારા હમારા રાહ છે, ન્યારા !

કે હું અનંત યુગનો તરનાર યોગી,
જાનાર જે હજુ અનંત યુગો તરીને,
તે આમ આજ દુઃખ ને દિનને ગણન્તો,
આંહીં પડ્યો - અરર ! ચેતનહીન છેક ?

હવે આ ગીત ગાઉ છું !! હવાને હું સુણાવું છું !! 
દિવાનાની દીવાનાઈ ગુનેહગારી હમારી છે !! 
દીવાનો તો કર્યો છે તે, કર્યો આ ગીત ગાતો તે,
ગુનેહ્ગારી તમારી એ ગુનેહ્ગારી હમારી છે !

હતા મહેતો અને મીરા ખરા ઈલમી ખરા શુરા !!
હમારા કાફિલા માં એ મુસાફર બે હતા પુરા !!

નથી નથી મુજ તત્વો વિશ્વ થી મેળ લેતા !
હૃદય મમ: ઘડાયું અન્ય કો વિશ્વ માટે !

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !! 

જૂની આંખે નવીન નીરખી હોય છે કૈંક રોતા !!
કિંતુ મારે નવીન નયને વિશ્વ આ થાય જુનું !! 

અહો ! ઘોળી પીધું મધુર વિષ પ્યાલું પ્રિય સખા !!
હવે હું ભૂલું છું જગત સઘળુ તે લહરી માં ..
ધીમે ધીમે મૂર્છા મુજ મગજ ને ચુંબન કરે !!
અહા ! હું ગાતો તે અનુભવી શકું છું સુખ હવે !

હું જાઉં છું, હું જાઉં છું, ત્યાં આવશો કોઈ નહીં;
સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં !

અમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી;
ન વાંચે કોઈ યા વાંચે : ન પરવા રાખનરાઓ !