*કવિશ્રી કલાપીને ભાવાંજલી*

ગુજરાતના જોબન જીગરને જાગતું રાખ્યું તમે
ને પ્રેમનું નિશદિન ચમન મહેકાવતું રાખ્યું તમે.

સુરતાની વાડી આજ પણ મહેકી રહી કેકારવે ,
ગુર્જર ગિરાનું દિલ સદા ટહુકાવતું રાખ્યું તમે ...(૨)

ખૂની બધા ભભકા ત્યજી પામ્યા ફકીરી હાલને
ઉલ્ફતની ચિનગારી થાકી દિલ દાઝતું રાખ્યું તમે.

ઓ ઈશ્કના બંદા! અનલહકનો કરી દાવો તમે
મનસૂર જેવું દિલ સનમને ચાહતું રાખ્યું તમે.

મહેતા ને મીરાંના અભેદ જામની મસ્તી લઇ
ગેબી સફરમાં મોતને મલકાવતું રાખ્યું તમે.

ના ભૂલશે અહેશાન ક્યારેય પ્રેમીઓ ઓ રાહબર
ને પ્રેમના પંથે સુરાલય ગાજતું રાખ્યું તમે.

તારા તણાં કંઈ ઝૂમખા માંથી સદા ડોકાઈ ને
આ "બુદ્ધ"નું અંતર અમી છલકાવતું રાખ્યું તમે.

- *કવિશ્રી ધૈર્યચન્દ્ર બુદ્ધ*