
અહો! મીઠા આત્મા! રસિક કુમળું મ્હોં તુજ હસે,
ફુલેલા અંગેથી મનહર રૂડો ગન્ધ પ્રસરે;
વસન્તી વાયે છે સમીરલહરી ગેલ કરતી,
રમી ત્હારી સાથે મધુર રવથી જાય વહતી!
શિરે ત્હારે વૃક્ષો નવીન ચળકે કુંપળ ભર્યાં,
સુતુ'તું મધ્યાહ્ન સુખમય રહ્યાં છાય ધરતાં;
હવે સંધ્યાકાલે કુસુમ સરખી મ્હોરકળીની -
કરે વૃષ્ટિ ધીમી તુજ પર ધરી વ્હાલ દિલથી!
સુનેરી દીપે છે નભ પર તળે વાદળ રૂડું,
ડુબે નીચે પેલું ક્ષિતિજ પર ત્યાં બિમ્બ રવિનું;
તને આલિંગે છે સુકર રવિના ચુમ્બન કરી,
તરે તે આકાશે ગરક મકરન્દે તુજ થઈ!
રૂડો જાંબુરંગી સુરસ રસ સંધ્યા સલુણીનો,
ધરી પ્રીતિ હૈયે તુજ પર અભિષેક કરતો;
ગુલાબી પાંખો આ,સુમન! તુજ તેજે ચળકતી,
દિસે તું સાક્ષાત પ્રણય, રતિ, તે મૂર્તિ સુખની?
અરે વ્હાલા! વાશે પવન અધિકો ઉષ્ણ બળતો,
હશે આ કાલે વા તુજ તરફ એ ક્રૂર ધસતો;
તને ચિન્તા ના ના! સુભગ તુજ હૈયું સુખભર્યું,
તને ના સ્પર્શે કો વિષમ દુઃખ આ ક્રૂર જગનું!
સુખી આ સંસારે સુખમય નહીં કો તુજ સમું,
અમારે આનંદે દિલ પર રહે છે દુઃખ છુપ્યું,
દુઃખી જો ઓછું તો સુખ બસ થયું એમ ગણશે;
બિચારૂં એ ભોળું મનુજ સુખ પૂરું ન સમજે!
અમારાં મીઠાં તે રુદનમય છે ગીત સઘળાં,
દુઃખે શિખેલાં એ કવિદિલ શિખાવે દુઃખ બધાં;
ન નિદ્રામાં યે છે પરમ સુખ વિશ્રાન્તિ અમને,
બૂરાં સ્વપનો આવી જનહૃદયમાં કંટક ભરે!
ન આનંદે ત્હારા બિલકુલ હશે ધ્વંસ કદિએ,
ઉદાસીની છાયા તુજ દિલ પરે ન રજ વસે;
કરે છે પ્રીતિ તું, સરવ તુજ પ્રેમે ખુશ રહે,
અતિ તૃપ્તિની તું સમજ નહિ પીડા પણ ખરે!
સુખી આત્માનું ને પ્રણય જગ ને મૃત્યુ ભવનું -
હશે ઊંડું સાચું તુજ હૃદયમાં જ્ઞાન વસતું,
ન જે જાણે છે કો મગજ કપટી મર્ત્ય જનનું,
નહીં તો આવું તું સુખભર રહે કેમ ખીલતું!
ન જાણું તું શું છે? તુજ સમ હશે શું જગતમાં?
ન ત્હારા જેવી મેં નિરખી ખુશબો કો કુસુમમાં;
નહીં તો પ્રુથ્વીનું, સમ મુજ કહે કયાં અવતર્યું?
વસ્યું'તું કૈલાસે? શિવશિર પરેથી સરી પડ્યું?
ન તું સ્વાર્થી ને ના કૃપણ તુજ હૈયું જન સમું,
ગ્રહી આશા તેથી હૃદય મમ કુળું તુજ કર્યું;
મ્હને દે તું દીક્ષા, મધુપ તુજ વ્હાલો કર મ્હને,
અભેદાનંદો હું શીખવીશ પછી આ જગતને! - કલાપી