
સુરતાની વાડીના મીઠા મોરલા ;
ઉછળતા શા ઉરસાગર ઉલ્હાસ્સ જો ;
નિરઝરતી સૌભાગ્ય સુહાગણ જ્યોત્સ્નીકા ;
નયને ઝળકે નમણું નિર્મળ હાસ જો ;
સુરતાની વાડીના મીઠા મોરલા
આંજે ને અંજવાળે આંખલડી સખી ;
અંતર ઉપર ઉઘડે આલમ નુર જો ;
હેત હૈયાના વહેતી વાજે વાંસળી ;
ઉડે સ્વર આકાશે અંતર દુર જો ;
સુરતાની વાડીના મોંઘા મોરલા
નંદનવન ના પ્રાસાદોની ટોચ થી ;
મધુરી કેકા આજે શી ઉભરાય જો ;
સુરભિઓ ની સાથે સંસારે સરી ;
અંત:દ્વારે ગીતા શી અથડાય જો;
સુરતાની વાડીના મીઠા મોરલા
તત: સવિતાનું ભર્ગ વરેણ્યમ ધીમહી;
ગાયત્રીનો જુનો ભેદક મંત્ર જો ;
આજે અન્ય પ્રકારે આ માથું નમે ;
નમતો સાથે આત્માનો એ તંત્ર જો ;
સુરતાની વાડીના મોંઘા મોરલા - કવિ કાન્ત