ગઝલ - સાકી ને ઠપકો .....

સાકી જે શરાબ મને દીધો, દિલદાર ને દીધો નહિ ;
સાકી જે નશો મુજ ને ચડ્યો, દિલદાર ને ચડ્યો નહિ !

મુજ ચશ્મ માં ચરખો ફરે, કદમે બદન લથડી પડે;
દિલદાર તો મલક્યા કરે, નકી યાર ને પાયો નહી !

આશક અને માશુક ને પાવો, એક જામે ને સીસે ;
પાવો એક હાથે સાકી એ, ઇન્સાફ તે કીધો નહી !

સરખા બને બન્ને જરા, ત્યાં તો શરાબી ની મઝા ;
ઉલટી કરી તે તો સઝા, નયને સનમ ખેલી નહી !

આ પહોર ચારજ રાતના, કઈ વાયદા વીત્યે મળ્યા ;
કઈ હોશ થી જીગરે જડ્યા, તેની કદર તુંને નહી !

ના ખેંચ આશક તો કરે, માશુક ને પાવો પડે;
ના સાકી એ પીવો ઘટે, તે કાયદો પાળ્યો નહી !

આ વાય ફજ્ર તણી હવા, મુજ રાત વીતી મુફ્ત માં;
દિલદાર આ ઉઠે જવા, એ બે શુકન બોલી નહિ !

જો આવશે કો દી સનમ, તો લાવશે આહી કદમ ;
તું રાખજે - ભાઈ ! રહમ, ગફલત ઘટે આવી નહી ! - કલાપી